મહેસાણા તાલુકાના ગોઝારિયા ગામના રાવળ સમાજના ત્રણ ડઝન જેટલા રહીશોએ મહેસાણા તાલુકા પંચાયત સંકુલમાં હંગામો મચાવ્યો હતો. આ રહીશોએ રહેણાંક માટે ગરીબોની આવાસ યોજના અંતર્ગત પ્લોટ કે મકાનની માંગણી ન સંતોષાતી હોવાનો આક્ષેપ કર્યો છે.
મજૂરી કરી નિર્વાહ ચલાવતાં અસંખ્ય સમાજનાં પરિવારોને રહેવા માટેની વ્યવસ્થા નથી. આ અરજદારોએ તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં રજૂઆત કરી છે અને પ્લોટ ફાળવવામાં ન આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી આપી છે. આ અરજદારોએ પોતાને પ્લોટ ફાળવવામાં આવે તો થતો સરકારી ખર્ચ ભરવા પણ તૈયાર હોવાની ખાત્રી આપી છે તેમ છતાં તેમને ગોઝારિયા ગ્રામ પંચાયત રહેણાંકના પ્લોટ ફાળવતી ન હોવાની બૂમ ઉઠવા પામી છે. તેમની માંગણી સાથે સંમત ગોઝારિયાના આગેવાનો ભીખાભાઈ પટેલ, રમેશભાઈ પટેલ વગેરે પણ તાલુકા પંચાયત આવી પહોંચ્યા હતા અને ગામના રાવળ (યોગી) સમાજનાં મકાન વિહોણાં પરિવારોને પ્લોટ ફાળવી આપવા માંગણી કરી છે. અરજદારોને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે, કલેકટરે ગોઝારિયા ગ્રામ પંચાયતની હદમાં એક એકર જમીન નીમ કરી છે અને ગામઠામની જગ્યાનો કોઈ અભાવ નથી તેમ છતાં પણ તેમને રહેણાંક માટે પ્લોટ ફાળવી આપવામાં આવતા નથી આ પરિવારોને રહેણાંક માટે પ્લોટ કે મકાન ફાળવી આપવામાં નહીં આવે તો અરજદારોએ ગાંધી ચીધ્યાં માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.
બહારનાઓને પ્લોટ મળી ગયા, અમો ઘર વિહોણા : ઘરથાળનો પ્લોટ મેળવવા અમો પાંચ-પાંચ વર્ષથી વિવિધ સરકારી કચેરીઓના પગથીયા ઘસી રહ્યા છીએ. પરંતુ, હજુ સુધી માત્ર ઠાલા આશ્વાસનો જ મળ્યા છે. તેવું ગોઝારિયાના માર્કેટયાર્ડ પાછળ છાપરામાં રહેતા કરશનભાઈ બેચરભાઈ રાવળે જણાવ્યું હતું. તેમણે વધુમાં ગામમાં બહારથી આવીને વસેલાઓને ઘરમાં પ્લોટ મળી ગયા છે. પણ અમો પેઢીઓથી અહીં રહેલા હોવા છતાં ઘરથાળના પ્લોટ મળ્યા નથી તેવો વેધક પ્રશ્ન ઉઠાવ્યો હતો. માર્કેટમાં છુટક મજૂરી, ખેતમજૂરી કરીને પરિવારનું માંડ માંડ ગુજરાન ચલાવી રહેલા શ્રમજીવીઓ વર્ષોથી પ્લોટની મીટ માંડીને બેઠા છે.
પ્રમુખ અને ટીડીઓ સમક્ષ હૈયાવરાળ ઠાલવી
પાંચ-પાંચ વર્ષોથી રાજ્ય સરકારની યોજના અંતર્ગત ઘરથાળના પ્લોટ મેળવવા દર દર ભટકી રહેલા ગોઝારિયાના રાવળ સમાજના પ૦ પરિવારો મહેસાણા તાલુકા પંચાયત કચેરીમાં પહોંચ્યા હતા અને અહીં ટીડીઓ તેમજ તાલુકા પંચાયત પ્રમુખ સમક્ષ પોતાની હૈયાવરાળ ઠાલવી હતી. માંડ માંડ પેટીયું રળનાર પરિવારોની વેદના સાંભળી પ્રત્યુત્તર પાઠવતાં ટીડીઓ અને પ્રમુખે તેઓને ઘરથાળના પ્લોટ વહેલીતકે મળે તે માટેની કાર્યવાહી કરવા હૈયાધારણા આપી હતી.
Source: Sandesh News